હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મ રહેશે જેના કારણે પહેલા ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.
13 અને 14 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ભારે પવન સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.