આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે અમરેલીમાં થયેલા તોફાની વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને ડેમો છલકાયેલા જોવા મળ્યાં હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સાથે 10, 11 અને 12 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમાં અમરેલી સહિત જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને દીવનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આજ રીતે ભાવનગર અને અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીના મતે 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. 11મી સપ્ટેમબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ પડશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 12મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા સહિત દાહોદ, પંચમહાલમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છ તરફ સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં અઠવાડિયા દરમિયાન સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જોકે અંતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસોમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 3 દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડશે.