Paresh Goswami weather prediction: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને તેમણે 'મેઘ તાંડવ' ગણાવ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બની છે, જેના કારણે 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે ગાજવીજ, ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.
હાલમાં ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ 4 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે હવે વધુ તીવ્ર બનશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય છે. આ સિસ્ટમ અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી તે વધુ મજબૂત બનીને ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે.
કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?
- ઉત્તર ગુજરાત: આ વિસ્તારમાં મેઘ તાંડવ જોવા મળશે. વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ, હારીજ, રાધનપુર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અહીં 5 થી 10 ઇંચ અને અમુક આઇસોલેટેડ વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે.
- કચ્છ: આ વર્ષનું સૌથી ભારે વરસાદનું રાઉન્ડ કચ્છમાં નોંધાશે. 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાપર, ખડીર અને વાગડ વિસ્તારમાં 2 થી 5 ઇંચ અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
- સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ હતો ત્યાં પણ સારો વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 10 થી 12 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. રાજકોટ અને બોટાદમાં 1 થી 3 ઇંચ, જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 3 થી 5 ઇંચ, અને કેટલાક સેન્ટરમાં 5 થી 10 ઇંચ વરસાદની સંભાવના છે.
- મધ્ય અને દક્ષિણ ગુજરાત: આ વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, કપડવંજ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અહીં 2 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા, ભરૂચ, નર્મદા અને તાપી જેવા વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
સાવચેતી અને સલામતી
પરેશ ગોસ્વામીએ લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વરસાદ દરમિયાન ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહેશે, જેથી વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, લીલા ઝાડ કે વીજપોલ નીચે ન ઊભા રહેવા, અને નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ આપી છે. અરબ સાગરમાં કરંટ હોવાથી માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવાની પણ ચેતવણી આપવામાં આવી છે.