અમદાવાદ : રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ત્રણ દિવસ સંઘપ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે રવિવારે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, નવસારી,વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ હોવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.
રાજ્યમાં વરસાદનું જોર વધશે
બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.