અમદાવાદ: રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો. વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે અનેક જિલ્લાઓને લઈ એલર્ટ જાહેર કર્યું છે.
અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આગામી 6 દિવસ સુધી વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે.
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.