ગાંધીનગર: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણા દિવસોથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
વલસાડ, નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. 23 જુલાઈએ લો-પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે.
ઓરસંગ નદી બે કાંઠે
છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ચેકડેમમાં પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ફરી એક આશાની કિરણ સેવાઇ રહી છે.
સુરત વિયર કમ કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.