ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. દેવડી,પીપળી,છારા આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. સમગ્ર જિલ્લાના છ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે.
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સ્ટેટ કંટ્રોલ સેન્ટર ખાતે 2 જિલ્લામાંથી 1157 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાંથી 1157 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વાવાઝોડાની તૈયારીઓ માટે વધુ 4 NDRFની ટીમો ગુજરાત આવશે. પુણેથી NDRFની 4 ટીમો ગુજરાત આવશે.
માંગરોળના દરિયાકાંઠે જોવા મળ્યો જોરદાર કરંટ, ભારે પવન સાથે વરસાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા અહીંથી કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ
બીજી તરફ જૂનાગઢ જિલ્લાની જવાબદારી સંભાળનાર મંત્રી જગદીશભાઈ પંચાલ માંગરોળ પહોંચ્યા હતા. અહીં માછીમારો અને અધિકારીઓ સાથે તેઓએ બેઠક યોજી હતી. વાવાઝોડાની અસર અંગે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં દરિયા કિનારે રહેતા લોકોના સ્થળાંતર, ફાયર, આરોગ્ય, લાઈટ અને પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. 24 સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી. બપોર બાદ માંગરોળ અને આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ શરુ થયો હતો.
વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.