કચ્છઃ બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મોરબીના નવલખી બંદર ઉપર ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો હતો. નવલખી બંદર ઉપરથી 1000 લોકોને સ્થળાંતર કરાયા હતા.


વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં રાખીને નવલખી બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનો ખતરો વધતા તંત્ર એલર્ટ બન્યું છે. કચ્છના દરિયા કિનારાના વિસ્તારમા સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. કંડલા પોર્ટ નજીકની વસાહતમા લોકોને સ્થળાંતર માટે સૂચના અપાઇ હતી.


કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી


વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એક NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.


વાવાઝોડાને લઈને કચ્છ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને લઈને કચ્છના તમામ મામલતદાર અને ગામના સરપંચો સાથે સંપર્કમાં છીએ. દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના તમામ બંદરો ઉપર કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.


વધુમાં તેમણે કહ્યું હતું કે મીઠાની પ્રાઇવેટ કંપનીના તમામ કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. માંડવી, જખૌ સહિત બંદરો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ કચ્છના તમામ બંદરો ઉપર ૯ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. PGVCL, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચવા અપાઇ છે. વાવાઝોડાથી લોકોને જાનહાનિ ના થાય તે માટે પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . સમગ્ર કચ્છ જિલ્લામાં મેડિકલ માટે ગામોમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.


બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી 320 કિ.મી, દ્વારકાથી 360 કિ.મી, નલિયાથી 440 કિ.મી, જખૌથી 440 કિ.મી દૂર છે. વાવાઝોડુ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ યથાવત છે. વાવાઝોડુ માંડવી, કરાચી, જખૌની વચ્ચે પસાર થવાની શક્યતા છે. વાવાઝોડુ 15 જૂને બપોરે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું પસાર થાય ત્યારે 125થી 150 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.