અમદાવાદ: રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ચોમાસાની સિઝન જામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી અતિભારે વરસાદનું અનુમાન છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
2 દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, હાલ મધ્યપ્રદેશ ઉપર એક ખૂબ જ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમનો ટ્રફ અરબસાગર સુધી લંબાયેલો હોવાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.
પરેશ ગોસ્વામીના મતે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવનને અસર થવાની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની નોંધણી થઈ શકે છે, જેનાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ પ્રબળ બની છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી શકે છે. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમ્સના સમન્વયથી અરબી સમુદ્ર પરથી મોઈશ્ચર ટ્રફ રેખા બની રહી છે, જે રાજ્યમાં પુષ્કળ ભેજ ખેંચી લાવશે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
શુક્રવાર, જૂન 27 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે રાજ્યના 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.