અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમ્સના સમન્વયથી અરબી સમુદ્ર પરથી મોઈશ્ચર ટ્રફ રેખા બની રહી છે, જે રાજ્યમાં પુષ્કળ ભેજ ખેંચી લાવશે.

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ 

શુક્રવાર, જૂન 27 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે રાજ્યના 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે.

આવતીકાલ રાત સુધીનો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્ત્વનો છે. કેશોદ, માળિયા, ગડુ, વેરાવળ, રાણાવાવ, કુતિયાણા અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાગરિકોને આગામી 24 કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ચોમાસાની સિઝન જામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215  તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6  ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલા, સુરતના મહુવા તેમજ જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  જેના પરિણામે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.