અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોનસૂન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં 1 જુનથી 31 જુલાઈ સુધી 27 % જેટલો વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આજે ઠંડર સ્ટ્રોમની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ

અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.