અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાવ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજ વીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આગામી ત્રણ કલાક અનેક જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બોટાદમાં રેડ એલર્ટ જાહેર
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા માહિતી આપવામાં આવી છે. બોટાદમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા
બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.