Rain And Monsoon Update: રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યુ છે, શરૂઆતી વરસાદે જ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ રાજ્યમાં સિઝનનો સરેરાશ 7.90 ટકા વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 14.83 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 3.80 ટકા નોંધાયો છે. ખાસ વાત છે કે, ભારે વરસાદના કારણે રાજ્યના સાત મોટા ડેમો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યમાં મોટાભાગના ડેમોમાં વરસાદી પાણીની સતત આવકો થઇ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યુ છે. 

Continues below advertisement

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગામન થઇ ચૂક્યુ છે. નૈઋત્યના ચોમાસાએ એન્ટ્રી મારતાની સાથે જ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી દીધી છે. પ્રથમ વરસાદમાં જ રાજ્યના મોટા સાત ડેમોની જળસપાટી હાઇ લેવલ પર પહોંચી છે. સાત ડેમો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, હાલમાં સરદાર સરોવર ડેમમાં 51.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે રાજ્યના 7 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 6 ડેમ એલર્ટ પર અને 8 ડેમ હજુ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 

રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરીએ તો અત્યારે રાજ્યના 6 ડેમ 100 ટકા ભરાયેલા છે, આ ઉપરાંત રાજ્યના 15 ડેમમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે, 18 ડેમમાં 50થી 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે, 63 ડેમમાં 25થી 50 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને હજુ પણ 104 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. 

Continues below advertisement

પ્રથમ વરસાદમાં જ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લૉ, દરવાજાની ઉપરથી નદીમાં વહી રહ્યું છે પાણી 

પહેલા વરસાદથી નદી નાળા છલકાઇ ગયા છે. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમમાં નવા નીરના વધામણા થયા છે. ગઇ રાત્રે પડેલા વરસાદથી શેત્રુંજી ડેમ 80 ટકા ભરાઇ ગયો હતો, અને આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે બપોર સુધીમાં શેત્રુંજી ડેમની સપાટી લગભગ 34 ફૂટથી ઉપર વહી રહી છે. શેત્રુંજી ડેમ અત્યારે ઓવરફ્લૉની સ્થિતિમાં પહોંચ્યો છે, અને ઓવરફ્લૉના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. આના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ,માયધાર, મેઢા, દાત્રડ, ભેગાળી, પિંગળી, ટીમાણા, સેવળીયા, રોયલ, માખણીયા, ગોરખી ગામ,લીલી વાવ, સરતાનપર, તરસરાને એલર્ટ કરવામાં આવે છે. હાલ શેત્રુંજી 95 હજાર 660 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું છે. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે.,ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ બની વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે. નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.