Gujarat Rain Forecast: રાજ્યમાં  ચોમાસાની ધમાકેદાર  એન્ટ્રી થઈ ગઈ છે.  અનેક  જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.  સમગ્ર રાજ્યમાં  વરસાદી માહોલ છે.  ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 જૂન રવિવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,. મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે.

છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદથી છોટાઉદેપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટ બજાર, વીજ કચેરી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. વાપી-શામણાજી નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બની ગયો છે. માન નદીના પાણી ફરી વળતા કોઝ વે પર ગાબડા પડી ગયા છે.