ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે હાઈકોર્ટથી રાહતરૂપ સમાચાર મળ્યા છે.. જામીન માટેની ચૈતર વસાવાની અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પાંચ જુલાઈએ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલો કરવાનો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો ધરપકડ બાદ ચૈતર વસાવાને વડોદરા જેલમાં ન્યાયિક હિરાસતમાં મોકલાયા હતા. જોકે વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્ર માટે જામીન મળ્યા બાદ ફરી એકવાર તેઓને જેલમાં રખાયા હતાં અગાઉ સ્થાનિક કોર્ટ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી ચૂકી હતી. ત્યારબાદ વસાવાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તે અરજીને માન્ય રાખી શરતો સાથે જામીન મંજૂર કરાયા છે.. ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થતા આજે જ જેલમુક્તિ થાય તેવી શક્ય છે.

Continues below advertisement

શું હતો સમગ્ર મામલો

થોડા મહિના પહેલા ડેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા હતા. જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.

Continues below advertisement

ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.ચૈતર વસાવા પર વન અધિકારીને ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને ખંડણી વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા.