અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદમાં આજે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે ત્યારે વાલીઓને ફીમાં 25 ટકાની રાહત મળવાની શક્યતા છે. સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે સોગંદનામું કરીને 25 ટકા માફીની ફોર્મ્યૂલાનો વિરોધ કર્યો છે પણ હાઈકોર્ટે વાલીઓને રાહત આપવાની તરફેણ કરી છે તે જોતાં 25 ટકા ફી માફીનો ચુકાદો હાઈકોર્ટ આપે તેવી શક્યતા છે. આજે હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે. આ અરજી પર ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી થશે.


સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. તેમનો દાવો છે કે, ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની મંજૂર ફીનો વધારો જતો કરવા અમે તૈયાર છીએ ત્યારે 25 ટકા ફી માફી વધારે છે. સંચાલકોએ ગયા વર્ષની ફી યથાવત રાખી 5 ટકાથી 12 ટકા રાહત આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.

તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટે 30 ટકા ફી માફીનો ચુકાદો આપ્યો હત તેના કારણે પણ ગુજરાતામં ફી માફી મળશે તેવી શક્યતા છે. લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી તેથી પૂરેપૂરી ફી માગતી સ્કૂલો સામે વાલીઓનો વિરોધ છે ત્યારે ખાનગી શાળાઓની ફી અંગે રાજસ્થાન હાઇકોર્ટે મોટો ચૂકાદો આપતાં કહ્યું હતું કે. ખાનગી સ્કૂલ ફીનું માત્ર 70 ટકા પેમેન્ટ લઇ શકાશે. આ ઉપરાંત સ્કૂલમાં ભણનારાં વિદ્યાર્થીઓનાં માતા પિતા ફીની ચૂકવણી આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી ત્રણ હપ્તામાં કરી શકશે. આ ચૂકાદો રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ એસ પી શર્માએ આપ્યો છે.

ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ફી અંગે વિવાદ છે ત્યારે આ ચુકાદો ગુજરાત માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે. રાજસ્થાન સરકારે પણ ગુજરાતની વિજય રૂપાણી સરકારની જેમ કોરોના દરમિયાન શાળા બંધ થઇ ત્યારથી ફી ન વસૂલવા માટે સ્કૂલોને આદેશ આપ્યો હતો. રાજસ્થાન સરકારના આદેશને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ પર હાઇકોર્ટે આ આદેશ આપ્યોછે. લગભગ 200 સ્કૂલોએ ત્રણ અલગ અલગ અરજી કરીને રાજસ્થાન સરકારના આદેશને પડકાર્યો હતો. રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કૂલ ફી લઇ શકતી ન હતી. કોરોના સંકટના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફી વસૂલવા પર રોક લગાવી હતી.