સાબરકાંઠાઃ હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં જીવીત નવજાત બાળકીને દાટીને જતા રહેનાર માતા-પિતાને શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીના માતા-પિતાને ઝડપી પાડ્યા છે. પોલીસે ભિલોડાના નંદાસણથી માતા-પિતાને ઝડપી પાડ્યા છે. બાળકીના પિતાનું નામ શૈલેષ અને માતાનું નામ મંજુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, માતા-પિતા માણસાના વતની છે. માતા મંજુબેનનું વતન ગાંભોઈ હોવાથી અહીં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ છેલ્લા 15 દિવસથી અહીં આવ્યા હતા. 



હર્ષ સંધવીએ સાબરકાંઠા મુદ્દે નિવેદન આપ્યું હતું કે, કાલે સાબરકાંઠા માં માતા પિતા બાળક ને મૂકી ગયા હતા. 108 દ્વારા સારવાર માટે બાળકને ખસેડાઇ હતી. પોલીસ દ્વારા તાત્કાલીક ટિમો બનાવી કામગીરી શરૂ કરી હતી. નવજાત બાળકીને તરછોડનાર માતા-પિતાને પોલીસે ઝડપી પાડ્યા છે. 


ગઈ કાલે હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી હતી. GEB કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું હતું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડાયુ હતું. 


નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈમાં GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાથી તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી.