LRD jawans appointment: ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે હવેથી LRD જવાનોને તેમની પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે. આ ઐતિહાસિક જાહેરાત સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે 11,607 નવનિયુક્ત લોકરક્ષક દળના જવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થતા અધિકારીઓ અને ઉમેદવારોમાં આનંદની લાગણી છવાઈ છે.

Continues below advertisement

ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા અને મહેનત કરી રહેલા યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા LRD (લોકરક્ષક દળ) ના જવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે LRD માં નિમણૂક પામેલા જવાનોને જિલ્લા પસંદગીનો વિકલ્પ (District Choice Option) આપવામાં આવશે. અગાઉ આ પ્રથા ન હતી, પરંતુ હવે ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ જિલ્લો પસંદ કરી શકશે, જે તેમના પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવામાં મદદરૂપ થશે.

મુખ્યમંત્રીના હસ્તે 11,607 ઉમેદવારોને નિમણૂક પત્ર 

Continues below advertisement

ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કુલ 11,607 નવનિયુક્ત જવાનોને સત્તાવાર રીતે પોલીસ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આંકડાકીય વિગતો જોઈએ તો તેમાં 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલમાં જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે તેમને ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા 292 ઉમેદવારોની ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાથી તેમને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે. આ પ્રસંગે પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

"ખાખી વર્દીમાં સામાન્ય કપડાં કરતા વધુ દમ છે"

નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરતા અને શિખામણ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ માર્મિક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "તમારા માતા-પિતાએ તનતોડ મહેનત કરીને તમને પોલીસમાં મોકલ્યા છે, તેમનું સન્માન જળવાય તે રીતે ફરજ બજાવજો." તેમણે વધુમાં ઉમેર્યું કે હોદ્દો કે સત્તા લાંબો સમય ટકતા નથી, પરંતુ નાગરિકો સાથે પ્રેમ અને લાગણીથી બનાવેલા સંબંધો કાયમ ટકી રહે છે. ખાખી વર્દીની તાકાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે સામાન્ય વર્દી કરતા ખાખીમાં અનેકગણો દમ છે અને સમાજના દૂષણો દૂર કરવાની સાચી શક્તિ આ વર્દીમાં રહેલી છે. લોકો સાથે માનવીય અભિગમ રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.

સંવેદનશીલતા અને પારદર્શિતા સાથે કામ કરવા અપીલ 

કાર્યક્રમમાં ઉપસ્થિત મનોજકુમાર દાસે ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી ભરતી પ્રક્રિયા એકપણ ફરિયાદ કે વિવાદ વગર પૂર્ણ થઈ છે જે ગર્વની બાબત છે. નવનિયુક્ત પોલીસકર્મીઓને શીખ આપતા તેમણે કહ્યું કે, "પોલીસ સ્ટેશનમાં તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે, ગુનેગારો પણ આવશે અને પીડિતો પણ આવશે. તમારે દરેક સાથે સંવેદનશીલતા અને માનવતા દાખવીને કામ કરવાનું છે."