અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની અસર વર્તાઈ રહી છે અને ઠંડી વધી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સપ્તાહે એટલે કે 9 જાન્યુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડીગ્રી કરતાં નીચે આવી જશે.


આ દિવસોમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીની નજીક રહેશે તેથી દિવસે પણ ઠંડીની અસર રહેશે. હાલ ન્યુનતમ તાપમાન છે તેના કરતાં પણ બે ડિગ્રી કરતા ઓછું તાપમાન થઈ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં સૌથી વધુ ઠંડી પડશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ ઠંડી પડશે.

ગુજરાતમાં4 દિવસ કોલ્ડવેવની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. તાપમાનનો પારો 2થી 3 ડીગ્રી ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાએ આગામી 4 દિવસની કોલ્ડવેવની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે કચ્છ, બીજા દિવસે સિવિયર કોલ્ડ વેવ કચ્છમાં અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ, ત્રીજા દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવ તથા ચોથા દિવસે કચ્છમાં સિવિયર કોલ્ડવેવ અને રાજકોટ-સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. દરમિયાનમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થઈ જતાં અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે.