સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 4 દિવસમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો એટલે ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. આજે જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 35,412 ક્યુસેક થઈ છે જ્યારે હજુ પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.
મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. ગુજરાતમાં 57 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 98 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.
નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 81.42 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 43.39 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.13 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.43 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.99 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.