અમદાવાદઃ તહેવાર નજીક છે ત્યારે સામાન્ય લોકો માટે જીવનજરૂરી વસ્તુના ભાવમાં વધારો પડતા પર પાટુ જેવો છે. શાકભાજી, કઠોળ બાદ સિંગતેલના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે. છેલ્લા પખવાડિયામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 245 રૂપિયાનો વધારો થયો બાદ ગઈકાલે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સિંગતેલના નવા ડબ્બાના ભાવ 2320થી 2360 રૂપિયાથી ઘટીને 2290થી 2330 બોલાયા હતા.


નોંધનીય છે કે, મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે એમાં પણ સૌરાષ્ટ્રમાં તેની સારી એવી ઉપજ થાય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલરોએ નિરંકુશ રીતે માગ ન હોવા છતાં પંદર દિવસમાં 245 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો હતો.

કપાસિયા તેલની વાત કરીએ તો તેમાં 25 રૂપિયાના ઘટાડા સાથે ડબ્બાના ભાવ 1615-1640 રૂપિયા અને પામતેલના ભાવ 5થી 25 રૂપિયા ઘટીને 1425-1430 બોલાયા હતા. 7 ઓક્ટોબરે 2075-2115 રૂપિયે સિંગતેલનો ડબ્બો મળતો હતો જે પંદર દિવસમાં 245 રૂપિયા વધી ગયું હતું તો કપાસિયા તેલના ભાવમાં પણ 90થી 95 રૂપિયાનો વધારો થયો હતો.

આશ્ચર્યની વાત એ છે કે, સિંગતેલની સ્થાનિક માગમાં કોઈ વધારો ન હોવા છતાં અને માગની સામે પુરવઠો વધી ગયો હોઈ અને યાર્ડમાં મગફળીની ખૂબ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં લોકો આખા વર્ષનું સિંગતેલ દિવાળીમાં ભરી લેતા હોય છે ત્યારે લોકો ચૂપચાપ ઉંચા ભાવે સિંગત ખરીદી લેશે તેમ માનીને બેફામ ભાવ વધારો કરવામાં આવ્યો અને આ જ કારણે બજારમાં લેવાલી ઘટી ગઈ હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સિંગતેલ મોંઘુદાટ થઈ જતા તેના કારણે કપાસિયા તેલનું ચલણ ખાસ્સુ વધી ગયું હતું. હાલ પણ ફરસાણના મોટાભાગના વેપારીઓ કપાસિયા તેલમાં જ ફરસાણ બનાવે છે. કેટલાક પામતેલનો ઉપયોગ કરે છે જે સિંગતેલ કરતા આશરે ૭૦૦ રૂપિયા સસ્તુ પડે છે.