Heatwave: ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાની સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં અનેક જગ્યાએ બિલ્ડરો દ્વારા શ્રમિકો પાસે ભર બપોરે કામ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રમિકો આ મામલે ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.


સરકારે સર્ક્યુલરમાં કહ્યું છે કે, મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર રહેતી/પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે ૧:૦૦ થી ૪:૦૦ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ/વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો-૨૦૦૩ના નિયમ-૫૦(૨) મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ- ૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવે છે.


નિયમનું પાલન નહિ કરતા બિલ્ડરો કે માલિક સામે શ્રમિકો 155372 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે. નિયામક ઔધોગિક સલામતી વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાનું પાલન નહિ કરનાર સામે સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.