Banaskantha News: રાજ્યમાં દારૂબંધીની છૂટછાટ વચ્ચે બનાસકાંઠાના થરાદના પઠામડા ગામે દારૂબંધી માટે કડક બંધારણ બનાવવામાં આવ્યું છે. પઠામડા ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાસે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં પ્રથમવાર થરાદ પંથકના પઠામડામાં ઠાકોર સમાજ અને ગ્રામજનોએ દારૂબંધીનો સામુહિક નિર્ણય લીધો છે. ગ્રામજનો દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડી વેચનાર પીનાર અને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવાનું રહેશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેને બે બોરીનું ધર્મદાન કરવાનું રહેશે અને અને જે કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરવાનું રહેશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો છે.
ગામના ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા પઠામડા ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિરે એકઠા થઈ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામ લોકોનું માનીએ તો આ શરૂઆતથી ગામમાં દારૂનું દુષણ તો ડામવામાં આવશે પરંતુ સાથે સાથે પગભર અને ખોટા લોકોનું દારૂના વ્યસનથી ઘરના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
પઠામડા ગામના ગામજનો એ લીધેલા નિર્ણય બાદ જો કોઈ વ્યક્તિ હજુ પણ દારૂ વેચવાનો કે દારૂ ઉકાળવાનું કે પીવાનો પ્રયાસ કરશે તો સામાજિક રીતે એ વ્યક્તિનો બહિષ્કાર કરવામાં આવશે હાલ તો આ નિર્ણયની ચારે કોર પ્રશંસા થઈ રહી છે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં, 'ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી' (ગિફ્ટ સિટી) વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ દારૂ પીવાના નિયમો હળવા કરવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે રાજ્ય સરકારે ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તેથી તેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પી શકશે અને વેચી શકાશે.