સુરેન્દ્રનગર: શુક્રવારે પીએમ મોદીના જન્મદિવસ પર દેશમાં 2 કરોડથી વધુ લોકોને રસી આપી એક રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ સાથે અમદાવાદમાં પણ જાહેર સ્થળોએ ફરવા કે સરકારી વાહનોમાં મુસાફરી માટે રસી લેવી ફરજીયાત કરવામાં આવી છે. જયારે આજે ચોટીલા મંદિરમાં દર્શન કરવા માટે પણ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા મંદિરમાં પ્રવેશ માટે વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. મતલબ કે રસી લીધા વગર કોઈને પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. જો તમે ચોટીલા જવાનું વિચારી રહ્યા છો તો વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું બાકી ચામુંડા માતાજીના દર્શન નહિ થઈ શકે.


આ નિર્ણય લેવા પાછળ મુખ્ય કારણ એ છે કે આ સ્થળ પર ઘણા બધા લોક ભેગા થાય અને કોરોના સંક્રમણ વધવાનો ભય છે. તેથી જો રસી લીધેલા લોકોજ આવે તો સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો રહે. આ સાથે દેશમાં ચાલતા રસીકરણ અભિયાનને પણ વેગ મળશે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા


ગુજરાતમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,490 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 4,81,733 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 143 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 140 નાગરિકો સ્ટેબલ છે. 8,15,490 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે  કચ્છ 3, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 2, આણંદ 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1 અને વલસાડમાં 1 કેસ સાથે કુલ 13 કેસ નોંધાયા છે. 


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 28 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 6152 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 52009 નાગરિકોને રસીનો પ્રથમ અને 81738 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 141125 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 200681 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,81,733 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,64,35,133 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ, પાટણ, પોરબંદર,  રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.