ગીર સોમનાથઃ તાલાલાના જેપુર ગામે યુવકની હત્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. ગઈ કાલે સમી સાંજે હીરણ નદીના કિનારે હત્યારાએ યુવકને છરીના 17થી 18 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, આરોપીએ પોતાની પત્નીના મોબાઇલમાં મૃતક કૌટુમ્બિક ભાઈનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હતું. આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તેણે હત્યાનો નિર્ણય કરી લીધો હતો. તેમજ ગઈ કાલે સાંજે નદી કાંઠે તેની છરીના ઉપરા-ઉપરી ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, તાલાલા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. હત્યારો અને આરોપી કૌટુમ્બિક ભાઈ છે.


અન્ય એક ઘટનામાં, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ગત બુધવારે રાતે થયેલી યુવકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોર્ચ્યુન હોટલ પાછળ ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મૂળ યુપીના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા આડાસંબંધમાં થઈ હોવાનો ધડાકો પોલીસે કર્યો છે. નિર્મોહીની હત્યા કરનાર માસાને જેલ હવાલે કરી દેવામાં આવી છે. 


 


આ અંગેની વિગતો એવી છે કે, નિર્મોહીની તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાના ઘા મારીને પતાવી દીધો હતો. અન્ય બે શખ્સોને પણ સકંજામાં લીધા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિર્મોહીને તેની માસી સાથે આડાસંબંધ હતા. આ આડાસંબંધની માસાને ખબર પડી જતાં બબાલ થઈ હતી. આ સમયે મૃતકે કહ્યું હતું કે, હું તો તેની સાથે જ જીવીશ અને મરીશ. 


 


બુધવારે રાત્રે ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં યુવક દોટ મુકીને ભાગતી વેળાએ ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જોતાં તેના ગળા પર ઘા દેખાયો હતો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો. ગઇ કાલે સવારે આ યુવાનની ઓળખ થઇ હતી. તે યુપીનો વતની નિર્મોહી ચૌહાણ હોવાનું અને હાલ મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરી ત્યાં જ ઓરડીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.


 


તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ કરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લીધા હતા. નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે કરી હોવાનું  સામે આવ્યું છે. આ હત્યાકાંડમાં કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે નિર્મોહીના રૂમમેટની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે, નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. જેથી પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી હતી. માસા કુંદને તેને આ સંબંધો તોડી નાંખવા કહ્યું હતું જોકે, નિર્મોહી માનવા તૈયાર ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બુધવારે સાંજે કુંદનને પતાવી દીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.