દેવભૂમિ દ્વારકા:  દ્વારકાના ખંભાળિયામાંથી ઝડપાયે નશીલી સિરપને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે.  ગેરકાયદે સીરપ પ્રકરણમાં ચાંગોદરથી ફેકટરીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે.  દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરવા માટેની મશીનરી, રો મટીરીયલ સહિત નશાયુક્ત પીણાની 7 હજાર 277 બોટલ, ઇથાઇલ કેમિકલ 840 લીટર, તૈયાર મિશ્રણ 1000 લીટર સહિતનો અન્ય 40થી 50 જેટલી ચીજવસ્તુનો જથ્થો તથા એક ટ્રક મળી આશરે 21 લાખ 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.



આ સાથે જ ખોટા GST નંબર અને ચોક્કસ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે ભરત નકૂમની સાથે ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી અને અમદાવાદના રમેશ ખરગિયા નામના શખ્શોની ધરપકડ કરી છે.  આરોપીઓ સૌરાષ્ટ્ર-કચ્છ  અમદાવાદમાં નશીલા સીરપનું વેચાણ કરતા હતા.


અસામાજિક તત્વો નશો કરવાની અનેક તરકીબો શોધી કાઢતા હોય છે.  સીરપના નામે નશીલા દ્રવ્યો વેંચવાનો પર્દાફાશ થયો છે. આ સીરપ પ્રકરણ કેસમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા  બાદ પોલીસ  અમદાવાદના ચાંગોદર પહોંચી હતી. પોલીસે દરોડા પાડી સીરપ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી. અમદાવાદના ચાંગોદર ખાતે ફેક્ટરીમાં આ આયુર્વેદિક સીરપની બોટલો બનાવવમાં આવતી હતી. આલ્કોહોલ, સાઈટ્રિક એસિડ, સ્વીટનર, ફ્રુટ બિયર ભેળવીને આયુર્વેદિક સીરપની બોટલો બનાવી ખુલ્લેઆમ તેનો વેચાણ કરવામાં આવી રહ્યું છે. 


ખંભાળિયા શહેરમાંથી આશરે દસ દિવસ પહેલા પકડાયેલી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ  સીપર  પ્રકરણમાં અમદાવાદમાં એક શખ્સ દ્વારા ચાંગોદરમાં ફેક્ટરી બનાવી ત્યાંથી જ ઉત્પાદન અને વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી. 


આ ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું ઉત્પાદન તથા વેચાણ થતું હોવા અંગેના સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ગત તારીખ 26 જુલાઈના રોજ રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલા આઈસર ટ્રકમાં પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘસવા' નામની સીરપની 4,000 બોટલ મળી આવી હતી. તે અંગે પોલીસને શંકા જતા રૂ. 5.96 લાખની સીરપ તથા 3 લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 8.96 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.