અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટતાં વરસાદનું જોર પણ ઘટી ગયું છે જોકે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે જે 8 ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં ગુજરાતનાં વાતાવરણમાં પલટો લાવશે.

તેમજ 9 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા જોવા મળી છે.

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ એલર્ટને પગલે તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

આગામી 8,9 અને 10 ઓગસ્ટે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપી દીધું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો-પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.