અમદાવાદઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનો અને વાદળિયા વાતાવારણથી ઠંડીના ચમકારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


હવામાન વિભાગનાં પ્રમાણે હવે ઠંડીની પકડ વધારે મજબૂત બનશે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્વિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.

જો આંકડાની વાત કરીએ તો બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.6 અને લધુત્તમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું. તેમજ આજ સવારે ગરમીનું પ્રમાણ ઓછું થયું હતું. ઠંડીની અસર વર્તાતી હતી. મહત્વનું છે કે ગઇકાલથી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થઇ ગયા છે.

ગુજરાતમાં તટીય સહિત અન્ય વિસ્તારોમાં પણ આગામી તા. 28થી 30 દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં પરિણમી છે પરંતુ પૂર્ણ રૂપે વાવાઝોડામાં પરિણમતા 48 કલાક થશે અને ત્યારબાદ આ સિસ્ટમની દિશા નિર્ધારિત થશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનું જોર ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધતાં લોકોને શિયાળાની પ્રારંભની ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. અપરએર સર્ક્યુલેશન અને ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે. આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.