આગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
abpasmita.in | 14 Sep 2019 10:59 AM (IST)
આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદઃ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતાં ઘણો સારો વરસાદ પડ્યો છે. હવે તો સ્થિતિ લીલો દૂકાળ પડવાની આવી ગઈ છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ ઉપર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. જે હજુ કેટલાક દિવસ ગુજરાતમાં જોવા મળશે. આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ સરદાર સરોવર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેના કારણે નર્મદામાં વધારાનું પાણી આવી શકે છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 15 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.