હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ખાબક્યો હતો. હાલોલમાં 6 કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે. રાજકોટમાં પણ માત્ર બે કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આજે ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં 5 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના દાંતામાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે જ્યાં જુએ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.

આ ઉપરાંતના રાજકોટના કોટડાસંગાણીમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વડોદરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે પંચમહાલના મોરવાહડફમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદ અને સાણંદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે સાણંદમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

મહત્વની વાત એ છે કે, સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બપોરે અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું હતું જેના કારણે અમદાવાદીઓમાં ખુશી જોવા મળી હતી. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.