ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ ન પડતાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે જોકે ગઈ કાલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આભ ભાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શનિવાર રાતથી લઈને રવિવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ, આણંદ, સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગામી બે દિવસ દરમિયાન આણંદ, અમદાવાદ, પાટણ, ખેડા, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાંની પણ સંભાવના છે. અમદાવાદમાં આ મહિનાના અંત સુધીમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થાયે તેવી સંભાવના છે.

મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતાં.