ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોના હાલ બેહાલ હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10 અને 11મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, સોમનાથમાં અને દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ મામલે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, 10મી તારીખે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 11 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.  ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.