Bachu Khabad: ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટના રાજ્યવ્યાપી ધ્વજવંદન કાર્યક્રમો માટે મંત્રીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં મંત્રી બચુ ખાબડનું નામ ન હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના અન્ય તમામ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે એકમાત્ર બચુ ખાબડની બાદબાકી થવી ઘણા સવાલો ઊભા કરે છે.
ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમો માટે બહાર પાડવામાં આવેલી યાદીમાં મંત્રી બચુ ખાબડનું નામ સામેલ નથી. રાજ્યના તમામ મંત્રીઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપવામાં આવી છે, પરંતુ બચુ ખાબડને કોઈ પણ જિલ્લામાં ધ્વજવંદન માટે મોકલવામાં આવ્યા નથી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે કે આ નિર્ણય પાછળનું કારણ શું હોઈ શકે છે.
બચુ ખાબડ સાથે જોડાટેલ મનરેગા કૌભાંડ શું છે?
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં આચરવામાં આવેલા રૂ. 71 કરોડના કથિત કૌભાંડમાં અનેક મોટા માથાંની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ, સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ?
આ કૌભાંડ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં સામે આવ્યું હતું. વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગા યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને આશરે ₹70 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી હતી. સરકારી અધિકારીઓ, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ તપાસ અને ધરપકડ
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ. પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જિલ્લા પંચાયતના આદેશથી દેવગઢ બારિયાના કૂવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કેટલાંક કામો અધૂરા જણાયા હતા.
- દેવગઢ બારિયાના બે ગામોમાં 28 એજન્સીઓને ખોટી રીતે ₹60.90 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
- ધાનપુર તાલુકાના કામો માટે 7 બિન-અધિકૃત એજન્સીઓને ₹10.10 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ચાર કર્મચારીઓની ધરપકડ કરી હતી. જેમાં દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, તેમજ ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલિયાનો સમાવેશ થતો હતો. જેમ જેમ તપાસ આગળ વધી, તેમ તેમ મોટા માથાંની સંડોવણી ખુલ્લી પડતી ગઈ અને મંત્રીના પુત્રોની પણ ધરપકડ થઈ.