ગાંધીનગર: પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 6 મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ખાતે કેમ્પ યોજાશે. તારીખ 31/12/2021 થી 30/04/2022 મળેલ અરજીઓ માન્ય રહેશે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત
અમદાવાદમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચશે. કાળઝાળ ગરમીથી ચેતીને રહેવા અમદાવાદવાસીઓને હવામાન વિભાગે સલાહ આપી છે. તે સિવાય લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ઉપરાંત રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યો છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડીગ્રીને પાર થઈ ગયું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે અનેક લોકો હિટવેવ નો શિકાર થયા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડાં પીણાંનો સહારો લઈ રહ્યાં છે. ભાવનગરમાં આગામી દિવસોમાં પણ ગરમીનું તાપમાન વધે એવી શક્યતા છે. જેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
હજુ તો મે મહિનો બાકી છે. એ પહેલા જ રાજ્યમાં ગરમી એપ્રિલ મહિનામાં નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 44.4 ડિગ્રી સાથે છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી.
આ વખતે એપ્રિલ મહિનામાં જ ત્રીજી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ત્રણ અને ચાર મે દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાશે. જો કે ત્યારબાદ ફરીથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.