બનાસકાંઠાના પાલનપુર નજીક 6 કરોડથી વધુના માલની લૂંટ કેસમાં પાટણ LCBને મોટી સફળતા મળી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.




મળતી જાણકારી અનુસાર, પાલનપુરના ચડોતર પાસે 10 કિલો સોનાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ સોની વેપારી પાસે રહેલા સોના, હીરા અને રોકડ મળી 6 કરોડના લૂંટ ચલાવી હતી.



લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઈ જતા વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસની ક્રાઈમબ્રાંચ, SOG સહિતની એજંસીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. જેને પગલે પાંચેય આરોપીઓ ડીસા-પાટણ રોડ પરથી ઝડપાયા હતા.  હાલ આ કેસમાં પોલીસે વેપારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.  



નોંધનીય છે કે બે દિવસ અગાઉ સુરતમાં 1 કરોડથી વધુના હીરાના લૂંટ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ફક્ત ત્રણ કલાકમાં ડિટેક્શન કરી 4.58 કરોડ નો હીરાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીમાં ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા તે  દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.  

ગુજરાત આંગડિયા પેઢીમાં  બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા 4 થી 5 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.  તેમણે રિવોલ્વર બતાવીને કરી લૂંટ કરી હતી. સરથાણા પોલીસ અને પીસીબી, ડીસીબીનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.વલસાડ LCB એ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. નવસારી વલસાડ હાઇવે પરથી લૂંટારુઓ ઝડપાયા હતા. તેમની પાસેથી હીરાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.