ગાંધીનગર: કરાર આધારિત કર્મચારીઓને લઈ ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં કરાર આધારિત કર્મચારીનું નિધન થાય તો પરિવારને આર્થિક સહાય અપાશે. ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું નિધન થશે તો રાજ્ય સરકાર 14 લાખ રુપિયાની આર્થિક સહાય આપશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ - 3અને વર્ગ - 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરાર ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ. 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ બજાવતાં નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીનના સમયગાળાને ધ્યાનમાં લઈને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના દાખલ કરવામાં આવેલ છે.
રાજ્યમાં લાંબા સમયથી ફિક્સ પગારની પોલિસી દૂર કરવા માટે સરકારી કર્મીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સરકારની વિવિધ કચેરીઓમાં નિયમિત જગ્યા પર ફિક્સ પગારની નીતિએ કરાર પર નિમણૂંક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને ફિક્સ પગારની સેવા દરમિયાન 12-10-2023 કે આ પછી અવસાન થવાના કિસ્સામાં રૂ.14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
https://t.me/abpasmitaofficial