દાહોદમાં પ્રિન્સિપાલની એક ભૂલના કારણે 10 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નહોતા. મળતી જાણકારી અનુસાર, દાહોદ શહેર અને જિલ્લામાં 10 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ગુંદીખેડાની ગાયત્રી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈને ડોક્યુમેન્ટ અને રૂપિયા આપ્યા હતા પરંતુ સંજયભાઈએ આ વિદ્યાર્થીઓના ફોર્મ જ ન ભર્યા નહી જેના કારણે વિદ્યાર્થીઓને રિસીપ્ટ પણ ના મળી અને તેના કારણે તેઓ પરીક્ષામાં બેસી શક્યા ન હતા. પ્રિન્સિપાલની ભૂલના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું હતું. આ કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરતા તપાસ શરૂ કરાઈ હતી.
પ્રિન્સિપાલે ના ભર્યુ ફોર્મ
દાહોદ તાલુકાના ગુંદીખેડામાં શહેર સહિત તાલુકાના વિવિધ ગામના ધોરણ 10ના રીપીટરો પાસેથી ફોર્મ ભરવા માટે અસલી ડોક્યુમેન્ટ અને રૂપિયા લીધા છતાં પ્રિન્સિપાલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા ન હતાં. જેથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેતાં રોષ ફેલાયો હતો. આ ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ તાલુકાના તણસિયા ગામના આંબલી ફળિયામાં રહેતાં સમસુભાઇ હિમાભાઇ માલિવાડના પુત્ર રાજેશને અન્ય વિદ્યાર્થીઓ સાથે દસમા ધોરણની રીપીટર તરીકે પરીક્ષા આપવી હતી. આ તમામ છોકરાઓના ફોર્મ ભરવાની જવાબદારી ગુંદીખેડાની ગાયત્રી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને ઇટાવાના રહેવાસી સંજય મિનામાએ લીધી હતી. પરીક્ષા આપવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓએ પોતાની ઓરિજનલ એલસી, અસલી માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવા પેટે રૂપિયા લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી જુદી-જુદી રકમ લેવામાં આવી હતી. આ રકમમાં 475 રૂપિયાથી માંડીને 7500 અને 9100 રૂપિયા સુધીના રૂપિયા લેવામાં આવ્યા હતાં તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સંજયભાઇએ કોઇ કારણોસર આ વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા ન હતાં. પરીક્ષાની રિસિપ્ટ નહીં આવતાં તે અંગેની તપાસ કરતાં રિસિપ્ટ આવી જશે તેવું આશ્વાશન આપવામાં આવ્યુ છે. જોકે, પરીક્ષા શરૂ થઇ છતાં રિસિપ્ટ નહીં આવતાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતાં. પોલીસ મથકે અપાયેલી અરજીમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરાઇ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની વિનંતિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા તેઓએ આ મામલે તપાસ હાથ ધરી હતી.