ગાંધીનગરઃ રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ કથળવા લાગી છે. છેલ્લા એક મહિનાથી સ્થિતી ગંભીર બની છે અને રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. નિષ્ણાતો હજુ પણ કોરોના સંક્રમણ વકરવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને સામાન્ય જનતા પણ લોકડાઉન લાદવાની તરફેણમાં છે પરંતુ ગુજરાત સરકાર લોકડાઉન કરવા તૈયાર નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કરેલા સંબોધનમાં ફરી એક વાર આ વાત સ્પષ્ટ કરી દીધી. તેમણે કહ્યું કે, રાજ્યમાં હમણાં લોકડાઉન લાદવાનો કોઈ સવાલ જ નથી.
ગુજરાતમાં લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાવેલા કોર ગ્રુપે લીધો છે. આ કોર ગ્રુપમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને એડિશનલ હેલ્થ સેક્રેટરી જ્યંતિ રવિનો સમાવેશ થાય છે. રાજ્યમાં તમામ મેડિકલ એસોસિએશન અને વ્યાપારી સંગઠનો લોકડાઉન લાદવાની તરફેણ કરી રહ્યાં છે ત્યારે રાજ્યના આ પાંચ મહાનુભાવોના ગ્રુપે નક્કી કર્યું છે કે, રાજ્યમાં લોકડાઉન લાદવાની જરૂર નથી.
રાજ્યમાં મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને જનતા પણ લોકડાઉન કરવા માટે કહે છે ત્યારે પાંચ માણસોનું એક ગ્રુપ લોકડાઉન નહીં લાદવાની તરફેણ કર્યા કરે છે તેના કારણે ગુજરાતમાં લોકડાઉન લદાતું નથી.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન- 8, વડોદરા કોર્પોરેશન-9, રાજકોટ-4, સુરેન્દ્રનગર-4, વડોદરા-4, બનાસકાંઠા-3, ભરુચ-3, ગાંધીનગર-3, જામનગર કોર્પોરેશ-3, મોરબી-3, સાબરકાંઠા-3, અરવલ્લી-2, ભાવનગર કોર્પોરેશન-2, બોટાદ-2, દાહોદ-2, દેવભૂમિ દ્વારકા-2, જુનાગઢ-2, મહેસાણા-2, પાટણ-2, અમરેલી-1, ભાવનગર-1, છોટા ઉદેપુર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા-1, મહિસાગર-1, પંચમહાલમાં -1 અને સુરતમાં 1 દર્દીના મોત સાથે કુલ 121 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4631, સુરત કોર્પોરેશનમાં 1553, રાજકોટ કોર્પોરેશનમાં 764, મહેસાણા-485, વડોદરા કોર્પોરેશનમાં 460, સુરત- 375, જામનગર કોર્પોરેશન- 324 બનાસકાંઠામાં 263, કચ્છ-176, ગાંધીનગર કોર્પોરેશન-173, ભરુચ-171, ભાવનગર કોર્પોરેશન-165, વડોદરા-165, જામનગર-159, ગાંધીનગર-150, દાહોદ-139, પંચમહાલ-135, અમરેલી-122, ભાવનગર-122, સાબરકાંઠામાં 122, ખેડા-121, નર્મદા-121, તાપી-113, નવસારી-105, પાટણ-104, જુનાગઢ કોર્પોરેશન-99, મહીસાગર-86, રાજકોટ- 86, વલસાડ-80, સુરેન્દ્રનગર-76, મોરબી-74, જુનાગઢ-73, અરવલ્લી-66, દેવભૂમિ દ્વારકા-62, અમદાવાદ-60, આણંદ-60, છોટા ઉદેપુર-52, ગીર સોમનાથ-49, પોરબંદર-42, બોટાદ-14 અને ડાંગમાં 11 કેસ મળી કુલ 12,206 કેસ નોંધાયા હતા.