અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી શારીરિક ક્ષમતા કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યના લાખો યુવક, યુવતીઓએ આ પરીક્ષા આપી હતી ત્યારે હવે આ પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખો રૂપીયાનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે કૌભાંડ આચરનાર જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાની ધરપકડ કરી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી બંનેને જેલભેગા કર્યા છે. આ બંને આરોપીઓએ ખરેખર કેટલા ઉમેદવારોને શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા એવું બહાર આવ્યું છે.
પોલીસ પાસથી મળેલી વિગતો પ્રમાણે જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાએ કહ્યું હતું કે, ઉમેદવારોને પોલીસ તંત્રમાં પોતાની મોટી ઓળખાણ છે. તેને કારણે ઉમેદવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની શારીરીક કે લેખિત પરીક્ષા આપવી નહી પડે અને સીધા પાસ થઈ જવાશે તેવા દાવા કરી ઉમેદવારોને બાટલામાં ઉતાર્યા હતા. ઘણા ઉમેદવારોએ તેમને નાણાં આપ્યાં હતાં. બંને આરોપી એક બીજાના પ્રેમમાં છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. જેમાં પોતાનાં નામ નહી જોઈ ભોગ બનનાર ઉમેદવારોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં આજે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ ભગવતીપરાની નંદનવન સોસાયટી શેરી નં-5માં રહેતા આશિષ સીયારામભાઈ ભગતને પોલીસે ફરિયાદી બનાવ્યો છે. તેના સહિત દસ ઉમેદવારો પાસેથી રૂા.1.10 લાખ લેખે બંને આરોપીઓએ 11 લાખ અને બાકીના બે ઉમેદવારો પાસેથી બે-બે લાખ મળી કુલ રૂા.15 લાખની ઠગાઈ કર્યાની હાલ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓનો જે કોઈ ઉમેદવાર ભોગ બન્યા હોય તેને તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.