ગાંધીનગરઃ કોરોનાના કેસને લઇને રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત સરકારે  રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 19 નગરોમાથી નાઇટ કર્ફ્યૂમાં હટાવવાનો નિર્ણય લીધો છે. નવી ગાઇડલાઇન અનુસાર હવે રાજ્યના આઠ મહાનગરમાં જ નાઇટ કર્ફ્યૂ રહેશે. આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.


આઠ મહાનગરો સિવાયના શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યું છે. નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.


લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં મહત્તમ 300 લોકો હાજરી આપી શકશે.કોરોનાના કેસ ઘટતા સરકારે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં બે કલાકનો ઘટાડો કરાયો છે. અગાઉ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યે શરૂ થતો હતો. મહાનગરો સિવાયના શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.


દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ,  સ્પા-સલૂન, બ્યૂટીપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75% સાથે 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.