Hit and Run: જૂનાગઢ જિલ્લામાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે. ઈકો કાર ચાલકે બાઈકને ઉડાવી દીધી હતી. આ અકસ્માતમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવકોના મોત થયા છે. બાંટવાના 28 વર્ષીય રામ પરેશભાઈ અને ભરત મોરીનું મોત થયું છે. જ્યારે માણાવદરના હરદાસ નામના યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. હાલ તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ પૂર્વનાં વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. અમદાવાદ પૂર્વનાં વસ્ત્રાલ વિસ્તારમાં રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘટનામાં એક એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડીયા ઉંમર વર્ષ 63 સવારે 8 વાગ્યાની સુમારે શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું છે. અડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત કરી ભાગી છૂટેલ છે. ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ફરાર વાહન ચાલક ની શોધખોળ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, અમદાવાદ અને મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો વળી, રાજકોટ હાઇવે પર વધુ એક રાહદારીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે લિંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, અહીં પગપાળા જતા લોકોને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. અજાણ્યા વાહનની ટક્કર વાગતા પગપાળા જઇ રહેલો એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. આ હિટ એન્ડ રનની ઘટના હાઇવે પર બોડીયા અને લિંબડી વચ્ચે સર્જાઇ હતી. વહેલાલથી દ્વારકા પગપાળા ચાલીને જતા સંઘને આ અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યો વાહન ચાલક આ સંઘના જ એક વ્યક્તિને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો, બાદમાં હિટ એન્ડ રન અક્સ્માતમાં ભોગ બનનાર વ્યક્તિના મૃતદેહને લિંબડીની સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે.