છેલ્લા 2 મહિનામાં રાજ્યમાં 129 જેટલા બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદ ઉઠી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો સર્ટિફિકેટ વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના આધારે રાજ્યભરમાં પહેલી એપ્રિલથી બોગસ ડોક્ટરને ઝડપી પાડવા અભિયાન ચલાવામાં આવ્યુ હતું. આ અભિયાનમાં 31 મે સુધીમાં કુલ 129 ડોક્ટર ઝડપાયા છે. શુક્રવારે પણ અલગ અલગ આઠ જેટલા જિલ્લામાં બોગસ ડોક્ટર ઝડપાયા છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર પર ગઈકાલે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ગાંધીનગર પોલીસે ગઈકાલે મેડિકલ ઓફિસરને સાથે રાખીને કલોલ અને દહેગામમાં દરોડા પાડી ચાર ડોક્ટરને ઝડપી પાડ્યા છે. જેમાથી એક ડોક્ટર કલોલ અને ત્રણ ડોક્ટર દહેગામમાંથી ઝડપાયો છે.
નવસારી જિલ્લામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચીખલીના દેગામ અને વાંસદા તાલુકાના ખાંભલા ગામમાં દરોડા પાડી બંને બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે. આ બંને બોગ્સ તબીબ બોગસ ડિગ્રી પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. નવસારી SOGએ છેલ્લા 2 દિવસમાં અલગ અલગ ટીમ બનાવી કુલ પાંચ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે.
રાજ્યમાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી વધુ બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાંથી પોલીસે બોગસ તબીબ ઝડપી પાડી કાર્યવાહી શરુ કરી છે. આ બંને લોકો વગર ડિગ્રીએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.
મહેસાણાના ખેરાલુના કુડા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર મુન્નાભાઈ MBBS ઝડપાયો છે. ચતુરજી ઠાકોર નામના વ્યક્તિ કુડા ગામમાં મકાન ભાડે રાખી ગેરકાયદે દવાખાનું ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડી એલોપેથી દવા સાથે આરોપીની ધરપકડ઼ કરી છે. તો આ બાજુ ગોઝારીયામાં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી 6 હજાર 720 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને બાતમી મળી હતી કે ગોઝારીયામાં એક વ્યક્તિ વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરે છે.. જેના આધારે દરોડા પાડતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.