Rainfall Data: બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. સાથે જ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ખસેડવાની ફરજ પડી. ડિલીવરી બાદ સગર્ભાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી. દાંતાના આગેવાને ટ્રેકટર મંગાવીને મહિલા દર્દીને બહાર કાઢ્યા હતા. ભારે વરસાદમાં દર વર્ષે સિવિલમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ છે.


છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો



  • બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો

  • બનાસકાંઠાના અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ

  • સાબરકાંઠાના વિજયનગરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ

  • સાબરકાંઠાના પોશિનામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

  • સાબરકાંઠાના વડાલીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

  • સતલાસણા, ફતેપુરામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ

  • ઈડરમાં એક, તો ભિલોડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ

  • કડી, ધનસુરા, તલોદમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ

  • માલપુર, સંતરામપુરમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ


અંબાલાલ પટેલની આગાહી


હાલમાં જ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.


રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી ચાર-પાંચ દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનસકાઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે  બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં  બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરી છે.