વલસાડમાં યુવતીએ ટ્રેનમાં આપઘાત કરવાના મામલે મોટો ખુલાસો થયો છે. યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે બે રીક્ષાચાલક નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં પોલીસ દોડતી થઈ છે. મળતી જાણકારી અનુસાર વડોદરાની ખાનગી સંસ્થામાં ભણતી અને નોકરી કરતી યુવતી સાથે દિવાળીના બે દિવસ પૂર્વે રીક્ષાચાલક બે નરાધમોએ અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઑફિસથી કામ પૂરું કરી ઘરે સાયકલ લઈને જતી હતી તે દરમિયાન રીક્ષાચાલક બે શખ્સોએ તેને અડફેટે લીધી હતી. અને  બાદમાં તેનું રીક્ષામાં અપહરણ કરી વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાનમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ વાતનો ઉલ્લેખ યુવતીએ આપઘાત કરતાં પહેલાં પોતાની ડાયરીમાં કર્યો હતો. જે ડાયરી પોલીસે કબ્જે કરી તપાસ હાથ હતી.


યુવતીએ ઘટના બન્યા બાદ તેની સાથે સંસ્થામાં કામ કરતી મિત્રને વોટસ એપમાં મેસેજ કરી મદદ માંગી હતી. જેમાં યુવતીએ પ્લીઝ હેલ્પ મી, બે શખ્સો મારો પીછો કરે છે તેવો મેસેજ પણ કર્યો હતો. યુવતીની મિત્રએ મેસેજ સવારે જોતાં સંસ્થાના મેન્ટરને ઘટનાની જાણ કરી હતી. પણ સંસ્થાના મેન્ટરએ પોલીસને સમગ્ર બાબતની કોઈ જ જાણ કરી નહોતી. જેથી સંસ્થા પણ શંકાના દાયરામાં આવી છે. વલસાડ રેલવે પોલીસની ટીમ, રેલવે એલ.સી.બી અને એસ.ઓ.જી. પોલીસ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો સંસ્થા પર પહોચી તપાસ કરી હતી. સાથે જ વેક્સિન ઇન્સ્ટીટ્યુટ મેદાન પર પણ જઈ તપાસ કરી હતી. પોલીસે સંસ્થાના સંચાલિકા અને સ્ટાફના નિવેદનો નોંધ્યા છે. સાથે જ જરૂરી પુરાવાઓ માંગ્યા હતા.


પોલીસે પીડિતા યુવતીનું પેનલ પીએમ રિપોર્ટ કરાવ્યો છે.  સાથે જ પોલીસ મેડિકલ રીપોર્ટની રાહ જોઈ રહી છે. હાલમાં વલસાડ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મનો ગુનો પણ દાખલ થઈ શકે છે. મહત્વની વાત છે સંસ્થાના સંચાલિકા સહિત સ્ટાફના એક પણ વ્યક્તિ સમગ્ર મામલે કઈ પણ કહેવા તૈયાર નથી ત્યારે સંસ્થા પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલામાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તો નવાઇ નહીં