અમદાવાદઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ત્રાટકેલા એમ્ફાન વાવાઝોડાંની વિનાશક અસરમાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં વધુ એક વાવાઝોડાનો દેશ પર ખતરો છે. અરબી સમુદ્રમાં પેદા થનારું આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકે તેવી શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 30 મેની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.આ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છેઆ વાવાઝોડું કદાચ 30 મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે તેથી વિનાશ વેરાવાની શક્યતા છે.  સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, અત્યારે અરબી  સમુદ્રમાં કોઈ ડિપ્રેશન નથી પણ દક્ષિણ-પૂર્વ અરબી સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ સ્થિતિના કારણે હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું. એમ્ફાન 15 મેની આસપાસ સક્રિય થયું હતું અને આગળ વધી શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાયું હતું.