ગાંધીનગર: રાજ્યમાં 12 મેડિકલ કૉલેજની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં 12 મેડિકલ કૉલેજની બેઠકોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કૉલેજ દીઠ 50 બેઠકો મંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં 12 મેડિકલ કૉલેજોમાં કુલ 600 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. કેંદ્ર સરકારે રાજ્યની 12 મેડિકલ કૉલેજમાં બેઠકોમાં વધારાને મંજૂરી આપી દિધી છે. બેઠકોમાં વધારો કરવામાં આવતા રાજ્યની તમામ મેડિકલ કૉલેજોની કુલ 5500 બેઠકો થઈ છે.


આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ઉપરની ચર્ચાના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં સરકારી તબીબી સેવામાં જોડાનાર, સેવા આપનાર સરકારી તબીબો ને પગાર ભથ્થા ઉપરાંત 30 ટકા વધારાનું મહેનતાણું ચૂકવવા વિચારણા છે, હજુ નિર્ણય લેવાયો નથી.

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ધારાસભ્યોને હોસ્પિટલના બિલ ન મુકવા અપીલ કરી હતી. આરોગ્ય મંત્રી નિતિન પટેલે કહ્યુ, સરકારની સેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે, આપણને સારો પગાર મળે છે. એક લાખ જેટલો પગાર મળે છે. ભગવાનની દયાથી બધુ આપ્યુ છે. નીતિન પટેલે કહ્યું, ધારાસભ્યોએ આરોગ્યના બિલ ન મુકવા જોઈએ. નિતિન પટેલે કહ્યું તેઓ પોતે ડાયાબિટીસ અને બલ્ડ પ્રેશરના દર્દિ છે જો કે તેમણે ક્યારેય સરકારી પૈસે દવા ન લેતા હોવાનો ગૃહમાં ખુલાસો કર્યો હતો.