રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે કે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, ડાંગ, વલસાડ, રાજકોટ, ભાવનગરમાં અતિભારે અને સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદના લોકોને હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડશે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય, રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.