અમદાવાદ: રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી અત્યાર સુધીમાં કુલ 61ના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ છ બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 56 પોઝિટીવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં છ, અમદાવાદ શહેર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં ત્રણ-ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે.  ગાંધીનગર શહેર, મહીસાગર,સુરત શહેરમાં ચાંદીપુરાના બે-બે પોઝિટીવ કેસ નોંધાયા છે. 


ખેડામાં ચાર, મહેસાણામાં પાંચ, પંચમહાલમાં સાત, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, ભરૂચ, અમદાવાદ, પોરબંદર અને પાટણમાં ચાંદીપુરાનો એક-એક પોઝિટીવ કેસ નોંધાયો છે.  રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 148 કેસ છે.  વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 60 દર્દીઓને રજા અપાઈ છે.  કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 


શું છે ચાંદીપુરા વાયરસ


ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.


ચાંદીપુરા વાયરસના લક્ષણો 


ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.


ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર - 
- ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
- જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ. 
- ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
- ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
- આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.