દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આી રહ્યા છે. દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે. 'બ્લુ ફ્લેગ' બીચની ઘોષણા પછી , ગુજરાત સરકારે તેની સુંદરતા પાછળ નાણાં ખર્ચવા અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. શિવરાજપુર બીચને બે તબક્કામાં વિકસાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે. ૨૦ કરોડના ખર્ચે સાયકલ ટ્રેક, ચાલવા માટેનો માર્ગ, વાહન મુકવાની જગ્યા (પાર્કિંગ) પીવાના પાણીની સુવિધા, શૌચાલય, અને પર્યટક સુવિધા કેન્દ્રનો વિકાસ કરવામાં આવશે. બીજા તબક્કામાં તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવા માટે વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.
બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફીકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.