ભારતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં અનેક રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી. દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે. આમ છતાં ચોમાસાના કુલ વરસાદમાં માત્ર 10 ટકાની ઘટ પડવાની સંભાવના છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો
કેરળમાં 4 જૂને સમયસર ચોમાસાનું આગમન થઈ ગયું હતું પરંતુ ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરના ભાગોમાં ફેલાઈ ગયું. ચોમાસાની સક્રિયતા ઘટવાથી લગભગ છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી. પરિણામે જૂનમાં વરસાદની સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઘટ જોવા મળી. જૂનમાં પૂર્વોતર અને પૂર્વીય ભારતમાં 44 ટકા, દક્ષિણ ભારતમાં 30 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઓછો વરસાદ થયો છે.
રાજ્યો મુજબ જોવા જઈએ તો દેશમાં મેઘાલયમાં સૌથી વધુ 82 ટકા, ગુજરાતમાં 79 ટકા, મણિપુરમાં 71, છત્તીસગઢમાં 68, ઝારખંડમાં 66, મહરાષ્ટ્રમાં 59, ઉત્તરપ્રદેશમાં 56, ઓડિશામાં 52 અને બિહારમાં 50 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગના મત મુજબ 27 જૂન સુધીમાં ચોમાસાએ માત્ર દેશના 55 ટકા ભાગને આવરી લીધો છે. આ વખતે મુંબઈમાં ચોમાસું 12 દિવસના વિલંબથી આવ્યું. ચોમાસાના વિલંબ પાછળ સુપર અલ-નીનો કારણભૂત હોવાનું કહેવાય છે. આ પહેલા વર્ષ 2002ના જૂનના અંત સુધીમાં માત્ર 50થી 55 ટકા વિસ્તાર આવરી લીધો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં છ વખત અલનીનોની અસર જોવા મળી. જેમાંથી પાંચ વખત દુષ્કાળ અથવા ઓછો વરસાદ નોંધાયો હતો. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14 વખત ચોમાસું વિલંબથી આગળ વધ્યું. જેમાં સાત વખત ચોમાસાના વિલંબ છતાં વરસાદ સામાન્ય કે તેથી વધુ રહ્યો હતો. 2019માં અલ-નીનોની અસર છતાં 10 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે હવામાન નિષ્ણાંતોએ અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદની 10 ટકા ઘટનો અંદાજ વ્યકત કર્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત મળી રહ્યા છે. એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે છોટાઉદેપુર, નર્મદા તો દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના શહેરીજનોને વરસાદ માટે હજુ ત્રણ ચાર દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હજુ બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરાઈ છે. આ સાથે જ અસહ્ય ઉકળાટનું પણ અનુમાન વ્યકત કરાયું છે. જુલાઈના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસો કે બીજા સપ્તાહના પ્રારંભે સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.
